હનુમાનજી મંદિર ખાતે દર્શન માટે લાંબી કતારો, મેળામાં બાળકો સહિત સૌએ માણ્યો આનંદ
આમોદ: શ્રાવણ માસના આજ રોજ અંતિમ શનિવાર નિમિત્તે આમોદ શહેર નજીક નાહિયેર ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક આસ્થા અને ભક્તિમય માહોલ વચ્ચે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.


મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે કતારમાં રહી હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર જય હનુમાનના જયઘોષ અને ભક્તિના વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
મેળામાં બાળકો માટે જમ્પિંગ, ચગડોળ સહિત વિવિધ મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકોએ પરિવારજનો સાથે મેળાની મોજ માણી હતી, જ્યારે યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોએ પણ મેળાની મુલાકાત લઈ આનંદ માણ્યો હતો.
મેળામાં વિવિધ ખાણી-પીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં લોકોએ વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. ધાર્મિક માહોલને વધુ ભક્તિમય બનાવવા હનુમાન ચાલીસા પાઠ તેમજ ભજન મંડળીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસના અંતિમ શનિવાર અને ગોકુલ આઠમના પર્વની આસપાસ યોજાયેલા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક શ્રદ્ધા સાથે મેળાની મોજનો સંગમ થતાં નાહિયેર ગામે દિવસભર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

