જંબુસર વોર્ડ નં. 1માં વિકાસના કામોના અભાવે રહીશોનો આક્રોશ

સંસ્કારધામ-ઘનશ્યામનગરના રહીશોની નગરપાલિકા સુધી રેલી, ચીફ ઓફિસરને આવેદનપત્ર

જંબુસર : જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર-1માં આવેલા સંસ્કારધામ અને ઘનશ્યામનગર સોસાયટીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા ગુરુવારે મોટી સંખ્યામાં એકત્ર થઈ સોસાયટીથી જંબુસર નગરપાલિકા કચેરી સુધી રેલી યોજી હતી.

રેલી દરમિયાન રહીશોએ મુખ્ય બજારમાં નગરપાલિકા હાય હાયના નારા લગાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાઓના નિરાકરણની માંગ કરવામાં આવી હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ઉભરાઈ રહ્યું છે. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને લોકો બીમારીનો ભોગ બનતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ, ખરાબ રસ્તાઓ અને શુદ્ધ પીવાના પાણીની સમસ્યા સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. રહીશોએ આ અંગે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા આખરે રેલી યોજી નગરપાલિકા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વધુમાં, વોર્ડ નંબર-1ના ચારેય સભ્યોમાંથી એક પણ સભ્ય સ્થળ પર હાજર ન રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ધોરણે સ્થળની મુલાકાત લઈ ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણી સહિતની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી.

ચીફ ઓફિસરને આપવામાં આવેલા આવેદનપત્રમાં વહેલી તકે તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online