આમોદ શહેરના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આમોદ નગરપાલિકાનું વહીવટી તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આમોદ નગરમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની અને ગંદું પાણી આંગણામાં જ પથરાઈ જવાની સમસ્યાથી સ્થાનિક રહીશ સૈયદ એઝાઝ બાપુ ભારે ત્રસ્ત બની ગયા છે. ગટરના ઓવરફ્લો થતાં દુર્ગંધયુક્ત દૂષિત પાણીના કારણે પરિવારનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પીડિત નાગરિકે નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રસિંહ, ઉપપ્રમુખ સાજુભાઈ રાણા, ઉમેશ પંડ્યા સહિતના તમામ જવાબદાર હોદ્દેદારોને અસંખ્ય વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ જ કાયમી અને નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગત શુક્રવારે પણ નગરપાલિકાના રજિસ્ટરમાં સત્તાવાર અરજી નોંધાવવા છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે.

પીડિત રહીશનો આક્ષેપ છે કે જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકામાંથી કર્મચારી માત્ર એક સળિયો લઈને આવે છે અને ઉપરછલ્લી સફાઈ કરીને જતો રહે છે. એટલું જ નહીં, ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો પણ યોગ્ય જગ્યાએ ખસેડવાને બદલે ઘરના આંગણા પાસે જ ખુલ્લામાં ઠાલવી દેવામાં આવે છે, જેના કારણે ગંદકી ફરીથી ઘરના દરવાજે આવી પહોંચે છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પીડિત નાગરિકે અત્યંત દુઃખ અને રોષ સાથે જણાવ્યું હતું કે, મારી પત્ની હાલ ગંભીર બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જો આ ગંદકીના કારણે મારા પરિવાર કે બાળકોના સ્વાસ્થ્યને કોઈ જ અસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ નગરપાલિકા વહીવટી તંત્રની રહેશે. તેમણે ચીમકી પણ આપી છે કે જો આ સમસ્યાનો ત્વરિત ઉકેલ નહીં આવે તો તેઓ પોતાના ઘર આગળ આવેલું ગટરનું ચેમ્બર સદંતર બંધ કરી દેશે અને આ મામલે કલેક્ટર કચેરી સુધી લડત લડશે.
સામે પક્ષે, નાગરિકના ગંભીર આક્ષેપો અંગે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૩ મહિનાથી વહીવટ સંભાળ્યો છે તે દરમિયાન એમની ૨ વખત રજૂઆત મળી છે. જૂની ભૂગર્ભ ગટર યોજના હોવાથી અને તેમનું ઘર લાઈનના છેવાડે આવેલું હોવાથી અવારનવાર ચોકઅપની સમસ્યા સર્જાય છે. હાલની લાઈન સદંતર બંધ કરવી શક્ય નથી કારણ કે અન્ય રહીશોને મુશ્કેલી પડે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ કાયમી સમસ્યાના સોલ્યુશન માટે ગત ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળેલી સામાન્ય સભામાં રૂ. ૧.૫૦ લાખના ખર્ચે નવી ગટર લાઈન નાખવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. આ કામગીરીનું એસ્ટિમેટ તૈયાર થઈ ગયું છે અને તાંત્રિક મંજૂરી બાદ હાલ માત્ર ટેન્ડરિંગ પ્રક્રિયા જ બાકી છે. પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ ખાતરી આપી હતી કે દિવાળી સુધીમાં નવી લાઈનનું કામ પૂર્ણ કરી કાયમી સોલ્યુશન લાવી દેવાશે, અને ત્યાં સુધી અરજી મળતાં જ તાત્કાલિક કર્મચારીઓ મોકલી સફાઈ કરાવવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની આ ખાતરી માત્ર આશ્વાસન પૂરતી સીમિત રહે છે કે પછી ચોમાસા અને દિવાળી પહેલા નાગરિકને આ નરકાગારમાંથી મુક્તિ મળે છે.

