જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા હવે કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે તેમણે અમિત ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાથે મુલાકાત કરી હતી, જ્યાં કોંગ્રેસમાં જોડાવાને લઈને ચર્ચા થઈ હતી.
મળતી માહિતી મુજબ, કિરણ મકવાણા આજે જ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાવાના હતા. જોકે હવે ભરૂચ ખાતે એક મોટો કાર્યક્રમ યોજીને તેઓ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે.
કિરણ મકવાણાની આ ઘરવાપસીના સમાચારથી જંબુસર તાલુકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. વર્ષ 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ જંબુસર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને તાલુકામાં મજબૂત રાજકીય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા.
ત્યારબાદ વર્ષ 2017માં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો હતો. ભાજપમાં વર્ષો સુધી સક્રિય રહ્યા બાદ હવે તેઓ ફરી પોતાના જૂના પક્ષમાં વાપસી કરી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કિરણ મકવાણાની ઘરવાપસી કોંગ્રેસ માટે તાલુકા સ્તરે એક મોટી રાજકીય તાકાત બની શકે છે. કોંગ્રેસ પોતાના જૂના કાર્યકરો અને સમર્થકોને ફરી એકત્ર કરવામાં સફળ થઈ શકે છે, જ્યારે ભાજપ માટે સ્થાનિક સ્તરે એક મહત્વપૂર્ણ ચહેરો ગુમાવવાનો ઝટકો બની શકે છે.
હવે સૌની નજર ભરૂચ ખાતે યોજાનાર કાર્યક્રમ પર ટકેલી છે, જ્યાં કિરણ મકવાણા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે.

© JN Express. આ સમાચાર અથવા લેખની નકલ કરવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે.
