ઉદયપુરમાં જન્મેલા અને જંબુસરની ધરતી પર ઉછરેલા કુશાગ્ર ભટ્ટ આજે ગુજરાતના ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા જગતમાં એક ઓળખાયેલું નામ બની ચૂક્યા છે. તેમના અવાજમાં આત્મવિશ્વાસ, શબ્દોમાં સંવેદના અને કાર્યમાં સચ્ચાઈનો અડગ સંકલ્પ જોવા મળે છે.
કુશાગ્રના જીવનમાં પિતાશ્રી અરવિંદભાઈ ભટ્ટનો ઊંડો પ્રભાવ રહ્યો છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા પિતાની નિષ્પક્ષતા અને સમાજ પ્રત્યેની જવાબદારીના સંસ્કાર કુશાગ્રના વ્યક્તિત્વમાં બાળપણથી જ વણાઈ ગયા હતા. માતા સુનીતાબેનના મમતા અને મૂલ્યોએ તેમના સ્વભાવને વધુ સંવેદનશીલ બનાવ્યો.
જંબુસરની ડી.જે. શાહ અને એચ.એસ. શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને તેમણે જીવનનો મજબૂત આધાર તૈયાર કર્યો. ત્યારબાદ દિલ્હીમાં પત્રકારિતાનો અભ્યાસ દરમિયાન તેમની અંદર એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ વિકસ્યો- સામાન્ય માણસની વેદનાને તંત્ર સુધી પહોંચાડવી.
કેરિયરનો પ્રારંભ કોલ સેન્ટરની નોકરીથી થયો, જ્યાં તેમણે સંવાદ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવ્યો. બાદમાં કેમેરા અને મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કરીને મુંબઈ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં શોર્ટ ફિલ્મો, જાહેરાતો અને ડોક્યુમેન્ટરી પર કામ કર્યું. રાજસ્થાનમાં બનાવેલી વિશેષ ડોક્યુમેન્ટરીએ તેમની અંદરના પત્રકારને નવી દિશા આપી.

વર્ષ 2016માં વતનમાં પરત ફરી સ્થાનિક ચેનલમાં કેમેરામેન તરીકે શરૂઆત કરી. ત્યાર બાદ તેઓ સંદેશ ન્યૂઝ સાથે રિપોર્ટર તરીકે જોડાયા અને ‘જંબુસરનું સ્વરાજ ભવન- ખંડેરથી પુનરુત્થાન સુધી’ જેવી અસરકારક સ્ટોરીએ તંત્રને હરકતમાં લાવી અને તેમના કારકિર્દીનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
રિપોર્ટિંગ દરમિયાન કુશાગ્રે અનેક પડકારોનો સામનો કર્યો. ખાસ કરીને કોરોના સમયની કવરેજમાં માનવતાના અનેક કડવા-મીઠા અનુભવો તેમણે નજીકથી જોયા. જોખમ વચ્ચે પણ તેમણે સમાજના પ્રશ્નોને પ્રાથમિકતા આપી અને સત્ય રજૂ કરવાનો ધર્મ જાળવી રાખ્યો.
ડિજિટલ મીડિયા તરફ વળીને વર્ષ 2021માં ‘કનેક્ટ ગુજરાત’ સાથે ડિજિટલ એંકર અને પ્રોડ્યુસર તરીકે જોડાયા. અહીં તેમણે આધુનિક પત્રકારિતાની નવી રીતો શીખી અને પ્રભાવશાળી પ્રસ્તુતિઓ દ્વારા લોકો સુધી મુદ્દાઓ પહોંચાડ્યા.
વર્ષ 2022માં ‘ગુજરાત ફર્સ્ટ’ સાથે ટીવી એંકર તરીકે જોડાઈ તેમની ઓળખ ઘરમાં-ઘરમાં પહોંચી. ખાસ કરીને ‘આધ્યાત્મિક યાત્રાઓ’ કાર્યક્રમ દ્વારા તેમણે વિશેષ લોકપ્રિયતા મેળવી.

તેમણે જગતગુરુ રામભદ્રાચાર્યજી, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી અને અભિનેતા આશુતોષ રાણા સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સ્મરણિય ઇન્ટરવ્યૂ કર્યા છે.
જૂન 2024થી તેઓ ન્યૂઝ કેપિટલમાં સિનિયર એંકર અને પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે, જ્યાં તેઓ એંકરિંગ સાથે ટીમ મેનેજમેન્ટ અને કન્ટેન્ટ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

કઠોર વ્યાવસાયિક જીવન વચ્ચે કુશાગ્રને સંગીત અને પ્રવાસનો શોખ છે. તેમના શબ્દોમાં- ‘દુનિયાને સમજવા માટે મુસાફરી કરવી પડે અને દુનિયાને કહેવા માટે સંવેદના જીવવી પડે.’
સમાજના પ્રશ્નોને અવાજ આપવાની પ્રતિબદ્ધતા સાથે કુશાગ્ર ભટ્ટ આગળ વધતા રહ્યા છે- એક એવા પત્રકાર તરીકે, જે માત્ર સમાચાર નથી આપતા, પરંતુ સમાજની લાગણીઓને પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે.
જુઓ નીચે કુશાગ્ર ભટ્ટની સોશિઅલ મીડિયાની પોસ્ટ:

