જંબુસર:
20 માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જંબુસર તાલુકામાં એક ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે. એક સમય એવો હતો જ્યારે સવાર પડતા જ ચકલીઓની ચહચહાટથી વાતાવરણ જીવંત બની જતું, પરંતુ આજે એ જ દેશી ચકલી ધીમે ધીમે લુપ્તપ્રાય બની રહી છે.

પર્યાવરણવિદોના જણાવ્યા મુજબ વૃક્ષોની સતત કપાત, વધતું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ ચકલીઓના અસ્તિત્વ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ચકલીઓનું વસવાટ વધારે હતું, ત્યાં પણ હવે તેમની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.

આધુનિક યુગમાં સિમેન્ટ-કોંક્રિટના જંગલો વધતા, કુદરતી નિવાસસ્થાનો ખતમ થઈ રહ્યા છે. મોબાઇલ ટાવરોથી નીકળતા રેડિયેશન અને વાહનોથી થતા પ્રદૂષણ પણ પક્ષીઓ માટે હાનિકારક બન્યા છે.

એક સમય હતો જ્યારે ગામડાઓમાં ચબૂતરાઓ પર ચણ નાખવાની પરંપરા જીવંત હતી, જ્યાં ચકલી, કબૂતર અને અન્ય પક્ષીઓનું ટોળું જોવા મળતું. આજે આ ચબૂતરાઓ પણ ખાલી દેખાઈ રહ્યા છે, જે પર્યાવરણમાં ઊભી થયેલી ગંભીર અસમતુલાનું પ્રતિબિંબ છે.

પર્યાવરણપ્રેમી ઐયુબ હલદરવા મુજબ, જો સમયસર વૃક્ષારોપણ, પ્રદૂષણ નિયંત્રણ અને પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ ઉભું નહીં કરવામાં આવે તો આવનારી પેઢી ચકલીને માત્ર પુસ્તકોમાં જ જોઈ શકશે.

વિશ્વ ચકલી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપે છે. હવે જરૂર છે કે આપણે સૌ સાથે મળીને પક્ષીઓ માટે અનુકૂળ પર્યાવરણ સર્જીએ અને આ મધુર કલરવ ફરી સાંભળવા માટે પ્રયત્ન કરીએ.

JN EXPRESS ADS
© JN Express. આ સમાચાર અથવા લેખની નકલ કરવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online