જંબુસર શહેરમાં વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના મુખ્ય માર્ગનું આખરે નવીનીકરણ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આશરે ₹6.61 કરોડના ખર્ચે આ રસ્તાનું RCC દ્વારા મજબૂત નવીનીકરણ કરવામાં આવ્યું છે.
આ નવા માર્ગનું લોકાર્પણ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલો આ માર્ગ જંબુસર શહેર અને આસપાસના ગામો માટે અત્યંત મહત્વનો છે. આ રસ્તો બલ્ક ડ્રગ પાર્ક, મીઠાના અગરો તેમજ પ્રસિદ્ધ તીર્થસ્થાન સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી અહીં ભારે વાહનવ્યવહાર રહેતો હતો.
સ્થાનિક નગરજનો, વેપારી મંડળ અને વિપક્ષના આગેવાનો દ્વારા આ માર્ગના નવીનીકરણ માટે અનેક વખત રજૂઆતો, આવેદનપત્રો અને આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. ખરાબ રોડના કારણે અહીં વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી લોકોમાં ભારે અસંતોષ હતો.
હવે નવા મજબૂત માર્ગના નિર્માણથી માત્ર શહેરના ટ્રાફિકને રાહત નહીં મળે પરંતુ ઉદ્યોગ, વેપાર અને તીર્થયાત્રા માટે પણ વિકાસના નવા માર્ગ ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે પીસાદ મહાદેવ મંદિર નજીક આવેલા તળાવના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમૃત 2.0 યોજના (SWAP-1 અને SWAP-2) અંતર્ગત આશરે ₹3.33 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા તથા અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
તે ઉપરાંત નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા તળાવના વિકાસ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹4.16 કરોડના ખર્ચે પોન્ડ એરિયા ડેવલપમેન્ટ સહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં અર્થ વર્ક, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, મુખ્ય ગેટ, ગઝેબો, ટોયલેટ બ્લોક, રિચાર્જ બોર તથા ઇલેક્ટ્રિકલ વર્ક જેવા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવા માર્ગ અને તળાવ વિકાસ પ્રોજેક્ટના કારણે જંબુસર શહેરમાં શહેરી સુવિધાઓ અને વિકાસને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

