Weather News jn express

ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર સતત ચાલુ છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવનો રાજ્યમાં પ્રવેશતા ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ વચ્ચે કચ્છનું નલિયા 4.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાતા ત્યાં પણ કડક ઠંડીનો અનુભવ થયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગાત્રો થિજવતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.

અમદાવાદમાં પણ ઠંડીનો પ્રભાવ વધ્યો છે, જ્યાં લઘુતમ તાપમાન ઘટીને 11.7 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શહેરવાસીઓને વહેલી સવાર અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન 10 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી ઓછું નોંધાયું છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાન

  • અમદાવાદ – 11.7°C
  • ગાંધીનગર – 10.8°C
  • ડીસા – 10.1°C
  • અમરેલી – 8.6°C
  • રાજકોટ – 9.4°C
  • ભુજ – 11.2°C
  • સુરેન્દ્રનગર – 11.2°C
  • કેશોદ – 10.6°C
  • પોરબંદર – 12.8°C

હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનો આ પ્રભાવ યથાવત્ રહેવાની શક્યતા છે. વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વ અને પૂર્વ તરફથી ફૂંકાતા પવનોના કારણે 14 જાન્યુઆરી સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ખાસ વધારો થવાની શક્યતા નથી. નાગરિકોને ઠંડીથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online