sarod_feature_jn_express

જંબુસર તાલુકાના સારોદ ગામે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના 84માં પાટોત્સવના પાવન અવસરે ધાર્મિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સારોદના વતની તથા ભરૂચ જિલ્લા પંચાયત ભાજપના શિક્ષણ ખાતાના ચેરમેન સંજયસિંહ સિંધાના હસ્તે મંદિર પરિસરમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સંજયસિંહ સિંધા દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા નાણાં દ્વારા મંદિરના પટાંગણમાં પેવર બ્લોકનું કામ તેમજ લાઈટ વ્યવસ્થા માટે ફોક્સ ટાવરનું નાળિયેર ફોડી ધાર્મિક વિધિ-વિધાન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગામના બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, જેનાથી ગ્રામજનોને આવનારા સમયમાં સુવિધા મળશે.

આ પ્રસંગે સંજયસિંહ સિંધાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, “હું બે વખત જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છું, પરંતુ આજ સુધી મારા વિકાસકામોના લોકાર્પણ કે ખાતમુહૂર્ત કાર્યક્રમો મેં કર્યા નથી. પરંતુ આ મારું જન્મભૂમિ સમાન ગામ છે, એટલે ગામ માટે કરેલા કામોનું લોકાર્પણ કરવું મારી ફરજ સમજી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “ગામ લોકોએ મારી પાસે કોઈ ખાસ માંગણી કરી નથી, છતાં પણ ગામના વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી કામો કરાવ્યા છે. ગ્રામજનોના આગ્રહને માન આપી આજે આ કાર્યક્રમમાં હાજરી આપી છે. આગળ પણ ગામના વિકાસમાં જે કંઈ ઘટતું હશે તે પૂરું કરવા હું હંમેશા તૈયાર રહીશ.”

પાટોત્સવના આ અવસરે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, ધાર્મિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *