Leopard's gaze by the roadside at night - JN Express

જંબુસર તાલુકાના નહાર ગામ પાસે રાત્રિના સમયે દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જંબુસરથી કાવી તરફ જતા માર્ગ પર, નહાર ગામની હાઇસ્કૂલ અને પૂજા વિદ્યામંદિર નજીક દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાહન ચાલકે દીપડાનો ફોટો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ગ્રામજનોનો શંકા પાકી થઈ ગઈ છે.

છેલ્લા ચારથી પાંચ દિવસથી નહાર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે જંગલી જાનવર ફરતું હોવાની ચર્ચા ચાલી રહી હતી. ઘણા લોકોએ રાત્રિના સમયે ખેતરોમાં દીપડા જેવા પ્રાણીની હાજરી હોવાનો અણસાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે રાત્રે અંદાજે 12:48 વાગ્યે દીપડો નજરે પડતાં આ વાતને પુષ્ટિ મળી હોવાનું લોકો માની રહ્યા છે.

નોંધનીય છે કે, જંબુસર તાલુકામાં દીપડાની હાજરી નવી બાબત નથી. એક વર્ષ અગાઉ સારોદ ગામના મદ્રસા પાસે રાત્રિના સમયે દીપડો લટાર મારતો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. જો કે, આજદિન સુધી દીપડાના કારણે કોઈ માનવ મારણની ઘટના સામે આવી નથી, પરંતુ તેની હાજરી માત્રથી જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ખેડૂતોનું કહેવું છે કે રાત્રિના સમયે ખેતરોમાં જવા માટે ભારે ડર અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને શાળા અને રહેણાંક વિસ્તાર નજીક દીપડો ફરતો હોવાની વાત ગંભીર ચિંતા જગાવે છે.

ગ્રામજનો દ્વારા વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા માગ કરવામાં આવી છે. વન વિભાગ તરફથી હજી સત્તાવાર પુષ્ટિ કે કાર્યવાહી અંગે સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે દીપડાને પાંજરે પુરવામાં આવશે.

હાલમાં, ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળે, બાળકો પર ખાસ નજર રાખે અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તરત વન વિભાગ અથવા પોલીસને જાણ કરે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *