gujarat market ai image jn express

જંબુસર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી પોલીસ ગેટ નજીકની મુતરડી હાલ નગરજનો અને વેપારીઓ માટે ગંભીર સમસ્યાનું કારણ બની છે. રોજ સવારે ટાંકીમાં પાણી ભરાતાં જ આ મુતરડીમાંથી પાણી ઓવરફ્લો થઈ રસ્તા પર વહી જાય છે, જેનો રેલો સોની ચકલા વિસ્તાર સુધી ફેલાય છે. પાણી સાથે માટી અને કાદવ મળવાથી રસ્તા અત્યંત ચીકણાં બની જાય છે, જેના કારણે બાઈક સ્લીપ થવાનો ભય સતત રહે છે અને અકસ્માતની શક્યતાઓ વધી રહી છે.

આ પરિસ્થિતિના કારણે બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ઉપરાંત, મુતરડીની યોગ્ય સાફ-સફાઈ ન થવાને કારણે આસપાસના વિસ્તારમાં સતત દુર્ગંધ ફેલાય છે, જેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંને પરેશાન છે.

વેપારીઓનું કહેવું છે કે, આશરે બે વર્ષ પહેલાં નગરની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે વેપારી મહા એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે સંબંધિત અધિકારીઓ સાથે બેઠકો યોજી બજાર વિસ્તારની સમસ્યાઓ અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. જોકે, હાલ આ એસોસિયેશન નિષ્ક્રિય બની ગયેલ હોવાથી નગરની સમસ્યાઓમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે.

વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નગરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. બજાર વિસ્તારમાં કેટલીક દુકાનો દ્વારા દુકાનની બહાર લટકણિયા લગાવવામાં આવ્યા છે, જેના કારણે રસ્તો સાંકડો બની જાય છે. ઉપરાંત, બાઈક સહિતના વાહનો દુકાનની બહાર અસ્તવ્યસ્ત રીતે પાર્ક કરવામાં આવે છે અને વન-વેના નિયમોનું પાલન થતું નથી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને લોકોને ભારે મુશ્કેલી પડે છે.

સ્થાનિક અગ્રણી વેપારીઓ અને નગરજનોની માંગ છે કે, બજાર વિસ્તારમાં મુતરડી અને પાણી ઓવરફ્લોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે, નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે તેમજ ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાને સુચારૂ બનાવવામાં આવે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો બજારની સ્થિતિ વધુ બગડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જંબુસર ડેપો હોવા છતાં જનતાને પૂરતી સેવા ન મળતી હોવાનો આ મુદ્દો હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *