ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ ફરી એક વખત વૈશ્વિક સ્તરે પોતાની તકનીકી ક્ષમતાનો પરચો આપ્યો છે. બુધવારે સવારે 8:55 વાગ્યે ISROના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 દ્વારા અમેરિકન કંપની AST SpaceMobileના BlueBird Block-2 કોમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક અવકાશમાં મોકલવામાં આવ્યો છે. આ LVM3ની છઠ્ઠી ઓપરેશનલ ફ્લાઇટ હતી, જેને LVM3-M6 મિશન નામ આપવામાં આવ્યું છે.
આ મિશન NewSpace India Limited (NSIL) અને AST SpaceMobile વચ્ચે થયેલા વ્યાવસાયિક કરાર હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. બ્લૂબર્ડ બ્લોક-2 એ અત્યાર સુધીનો સૌથી મોટો વાણિજ્યિક સંચાર ઉપગ્રહ માનવામાં આવે છે, જેને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (LEO)માં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટનું વજન અંદાજે 6,100 કિલોગ્રામ છે, જે ISRO દ્વારા અત્યાર સુધી લોન્ચ કરાયેલ સૌથી ભારે કોમર્શિયલ પેલોડ છે.
શું ખાસ બનાવે છે BlueBird Block-2 ને?
બ્લૂબર્ડ બ્લોક-2ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સામાન્ય સ્માર્ટફોનને સીધા સેટેલાઈટ સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપગ્રહમાં 223 ચોરસ મીટરનો વિશાળ ફેઝ્ડ-એરે એન્ટેના છે, જેના કારણે દુનિયાના કોઈપણ ખૂણે 4G અને 5G સેવાઓ શક્ય બનશે. હવે રીમોટ વિસ્તારોમાં પણ વોઇસ કોલ, વિડિયો કોલ, મેસેજિંગ અને હાઈ-સ્પીડ ડેટા સેવાઓ ઉપલબ્ધ બનશે.
AST SpaceMobile અગાઉ બ્લૂબર્ડ 1 થી 5 સેટેલાઈટ લોન્ચ કરી ચૂક્યું છે, પરંતુ બ્લોક-2માં તેનાથી લગભગ 10 ગણી વધુ બેન્ડવિડ્થ ક્ષમતા છે. આ ટેક્નોલોજી નાગરિક તેમજ સરકારી ઉપયોગ માટે ગેમ-ચેન્જર સાબિત થવાની શક્યતા છે.
ભારત માટે શું મહત્વ?
આ સફળ લોન્ચ સાથે ISROએ સાબિત કરી દીધું છે કે ભારત હવે માત્ર અવકાશ સંશોધનમાં જ નહીં, પરંતુ વૈશ્વિક કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં પણ મહત્વપૂર્ણ ભાગીદાર બની ગયું છે. આ મિશનથી ભારતની સ્પેસ ઈકોનોમીને નવી દિશા મળશે અને આવનારા સમયમાં વધુ આંતરરાષ્ટ્રીય મિશન માટે ISRO પર વિશ્વાસ વધશે.
