ભરૂચ એસટી ડિવિઝન હેઠળ છેલ્લા ૪૫ વર્ષથી સતત અને અવિરત સેવા આપતી ‘ભરૂચ–વેડચ’ લોકલ એસટી બસ સેવા અચાનક અને કાયમી ધોરણે બંધ કરવામાં આવતા જંબુસર સહિત વેડચ અને આસપાસના વિસ્તારોમાં ભારે રોષ ફેલાયો છે. ખાસ કરીને જંબુસર ડેપો હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવી બસો આપવામાં આવી હોવા છતાં મહત્વપૂર્ણ અને નફાકારક રૂટ બંધ રાખવામાં આવતા અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિક લોકો જણાવે છે કે ‘ભરૂચ–વેડચ’ રૂટ માત્ર વાહન વ્યવહાર પૂરતો સીમિત ન હતો, પરંતુ વેડચ, જંબુસર અને આજુબાજુના ગામો માટે જીવાદોરી સમાન સેવા હતી. વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ દર્દીઓ માટે આ બસ રોજિંદી જરૂરિયાત બની ગઈ હતી. મહત્વની વાત એ છે કે આ રૂટ ભરૂચ ડિવિઝનના તમામ લોકલ શેડ્યૂલમાં સૌથી વધુ આવક (નંબર–૧) આપતો હતો. નફાકારક હોવા છતાં આ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લોકોના ગળે ઉતરતો નથી.
જંબુસર ડેપો ખાતે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નવી ૧૮ બસો ફાળવવામાં આવી હતી અને ધારાસભ્ય તથા આગેવાનોના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. તેમ છતાં જમીન પર સ્થિતિ એવી છે કે, જનતાને જરૂરી એવા લોકલ રૂટ બંધ રહેતા મુસાફરોને કોઈ રાહત મળતી નથી. આ પરિસ્થિતિને લઈ લોકોમાં ચર્ચા છે કે, નવી બસો હોવા છતાં જો લોકહિતના રૂટ શરૂ ન થાય તો આ બસો કોના માટે?
બસ સેવા બંધ થતાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓ અને ગરીબ-મધ્યમ વર્ગને થઈ રહ્યું છે. લોકોને હવે ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ચૂકવી મુસાફરી કરવી પડે છે અથવા જોખમી રીતે અન્ય સાધનોનો આશરો લેવો પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, કોઈ યોગ્ય કારણ વગર માત્ર અધિકારીઓની મનમાની અને અસંવેદનશીલ વલણના કારણે આ ઐતિહાસિક રૂટ બંધ કરાયો છે, જેનાથી સરકાર અને **GSRTC**ની છબી ખરડાઈ રહી છે.
વેડચ અને જંબુસર વિસ્તારના અગ્રણીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો ભરૂચ–વેડચ બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં જંબુસર ડેપો અને ભરૂચ એસટી કચેરી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ, રાજ્યના પરિવહન મંત્રીશ્રી અને એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરે, જવાબદાર અધિકારીઓ સામે તપાસ થાય અને જનહિતમાં આ નફાકારક રૂટ ફરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ વધુ પ્રબળ બની છે.
જંબુસર ડેપો હોવા છતાં જનતાને પૂરતી સેવા ન મળતી હોવાનો આ મુદ્દો હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે.

