ભારતીય મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. 2025ની વનડે વર્લ્ડ કપ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ક્રિકેટરો માટે વધુ એક મોટો અને સકારાત્મક નિર્ણય લીધો છે. BCCI એ ઘરેલુ મહિલા ક્રિકેટમાં મેચ ફી વધારવાની જાહેરાત કરી છે, જેમાં હવે મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડીઓ જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે.
નવા નિયમો અનુસાર, ઘરેલુ વનડે અને મલ્ટી-ડે મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ મહિલા ખેલાડીઓને દરરોજ 50 હજાર રૂપિયા મળશે. જો કોઈ ખેલાડી રિઝર્વ તરીકે ટીમમાં હોય તો તેને પ્રતિ મેચ 25 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. T20 ફોર્મેટમાં પ્લેઇંગ ઇલેવનમાં રમનાર ખેલાડીઓને પ્રતિ મેચ 25 હજાર રૂપિયા અને બેન્ચ પર રહેનાર ખેલાડીઓને 12,500 રૂપિયા મળશે.
આ પહેલા સિનિયર મહિલા ક્રિકેટરોને પ્લેઇંગ ઇલેવનમાં રમવા બદલ માત્ર 20 હજાર રૂપિયા મળતા હતા અને રિઝર્વ ખેલાડીઓને 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. નવા નિર્ણય બાદ મેચ ફીમાં બમણાથી પણ વધુ વધારો થયો છે, જે મહિલા ક્રિકેટ માટે એક મોટો બદલાવ ગણાય છે.
BCCI એ જુનિયર સ્તરની મહિલા ટુર્નામેન્ટ્સમાં પણ સમાનતા અમલમાં મૂકી છે. બહુ-દિવસીય અને વનડે ફોર્મેટમાં જુનિયર પ્લેઇંગ ઇલેવનને દરરોજ 25 હજાર રૂપિયા અને રિઝર્વ ખેલાડીઓને 12,500 રૂપિયા મળશે. T20 મેચોમાં જુનિયર ખેલાડીઓને પ્રતિ મેચ 12,500 રૂપિયા અને અન્ય ખેલાડીઓને 6,250 રૂપિયા ચૂકવાશે.
આ સાથે સાથે BCCI એ અમ્પાયર અને મેચ રેફરીઓની ફીમાં પણ વધારો કર્યો છે. સ્થાનિક લીગ મેચોમાં હવે અધિકારીઓને દરરોજ 40 હજાર રૂપિયા મળશે, જ્યારે નોકઆઉટ મેચોમાં આ રકમ 50 હજારથી 60 હજાર રૂપિયા સુધી રહેશે. રણજી ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ્સમાં નોકઆઉટ મેચોની ફી 3 લાખ રૂપિયા સુધી પહોંચશે.
BCCIનો આ નિર્ણય મહિલા ક્રિકેટમાં સમાનતા, આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આથી આવનારા સમયમાં વધુ યુવા પ્રતિભાઓ મહિલા ક્રિકેટ તરફ આકર્ષાશે.
