SAVE ARAVALLI - JN EXPRESS

અરવલ્લી પર્વતમાળા માત્ર ભૂગોળની ઓળખ નથી, પરંતુ ઉત્તર ભારત માટે પર્યાવરણની રક્ષા કરતી એક પ્રાચીન કુદરતી કવચ છે. ગુજરાતથી શરૂ થઈ રાજસ્થાન અને હરિયાણા પસાર કરીને દિલ્હી સુધી વિસ્તરેલી આ પર્વતમાળા ભૂગર્ભ જળ, હવા અને જૈવ વૈવિધ્ય માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ વિકાસ અને ખાણકામની દોડમાં અરવલ્લી લાંબા સમયથી વિવાદોમાં ઘેરાઈ છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ આદેશ બાદ અરવલ્લી મુદ્દે ફરી ચર્ચા તેજ બની છે. પર્યાવરણવિદોનું કહેવું છે કે જો અરવલ્લીનો નાશ થશે તો રાજસ્થાનની રણરેખા દિલ્હી સુધી આગળ વધી શકે છે અને એનસીઆર ક્ષેત્રનું આબોહવાગત સંતુલન ગંભીર રીતે બગડી શકે છે.

અરવલ્લીમાં ગેરકાયદેસર ખાણકામની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી. રાજસ્થાનમાં માર્બલ અને ગ્રેનાઈટ જેવા ખનિજોની ભરપૂરતા કારણે ટેકરીઓનું વ્યાપક સ્તરે સમતલીકરણ થયું. પરિણામે ભૂગર્ભ જળસ્તર ઘટ્યું, વન્યજીવનને નુકસાન પહોંચ્યું અને આસપાસના ગામોમાં પાણીની અછત ઊભી થઈ.

આ સ્થિતિને પગલે પર્યાવરણ સંરક્ષકો કોર્ટમાં પહોંચ્યા. 1992માં સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત અરવલ્લી વિસ્તારમાં ખાણકામ પર નિયંત્રણ લાદ્યું. બાદમાં 2002માં સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના અહેવાલમાં સ્પષ્ટ થયું કે હરિયાણા અને રાજસ્થાનમાં ખાણકામથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.

2003માં રાજસ્થાન સરકારે ‘મર્ફી ફોર્મ્યુલા’ આધારે અરવલ્લીની નવી વ્યાખ્યા રજૂ કરી, જેમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી ગણવામાં આવી. આ નિર્ણયથી મોટી સંખ્યામાં વિસ્તારો ખાણકામ માટે ખુલ્લા થઈ ગયા, જેને લઈને ભારે વિવાદ સર્જાયો.

સરકારો બદલાઈ, પરંતુ ખાણકામની ગતિ અટકી નહીં. 2005 અને 2009માં સુપ્રીમ કોર્ટે ફરીથી કડક વલણ અપનાવ્યું અને પર્યાવરણીય મંજૂરી વિના ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો, ખાસ કરીને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં.

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના 2010ના અહેવાલે અરવલ્લીના મોટા વિસ્તારો ગેરકાયદેસર ખાણકામથી નાશ પામતા હોવાની ચેતવણી આપી હતી. આ અહેવાલ બાદ અરવલ્લીની સ્પષ્ટ વ્યાખ્યા કરવાની જરૂરિયાત વધુ મજબૂત બની.

નવેમ્બર 2025માં કેન્દ્ર સરકારે ફરી એકવાર મર્ફી ફોર્મ્યુલા આધારે અરવલ્લીની વ્યાખ્યા અપનાવી. ત્યારબાદ 20 નવેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને સમગ્ર અરવલ્લી પ્રદેશ માટે લાગુ કરવાનો આદેશ આપ્યો. બહુકોણ રેખાની જગ્યાએ સમોચ્ચ રેખાનો ઉપયોગ કરવાથી પર્યાવરણવિદોમાં ચિંતા વધેલી છે.

સરકારનો દાવો છે કે ખાણકામ મર્યાદિત અને નિયંત્રિત રહેશે, જ્યારે પર્યાવરણ સંસ્થાઓ માને છે કે આ નિર્ણય અરવલ્લી માટે લાંબા ગાળે જોખમ બની શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *