જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર દ્વારા ‘આનંદ ઘર વૃદ્ધાશ્રમ’ની શુભેચ્છા મુલાકાત: વડીલોને ઉપયોગી વસ્તુઓની અર્પણ કરાઈ ભેટ

જંબુસર:

જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર દ્વારા ‘My Bharat’ અને ‘NSS’ (રાષ્ટ્રીય સેવા યોજના) ના સંયુક્ત ઉપક્રમે સામાજિક સેવા અને માનવતાના ઉદ્દેશ્ય સાથે મગણાદ ખાતે આવેલા “આનંદ ઘર વૃદ્ધાશ્રમ”ની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. કિશોર એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણે વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલો સાથે આત્મીય સંવાદ સાધીને તેમના સુખ-દુઃખ તથા જીવનના અનુભવો જાણી તેમની સાથે સમય વિતાવ્યો હતો. આ તકે જે. એમ. શાહ કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ તથા ‘My Bharat’ તરફથી વૃદ્ધાશ્રમના વડીલોને દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવી વિવિધ સામગ્રી ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ ભેટ સ્વીકારીને વડીલોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તમામ વિદ્યાર્થીઓ તેમજ કોલેજ પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા, માનવતા અને વડીલો પ્રત્યે આદર-સન્માનની ભાવના કેળવાય તેવો હતો. કોલેજ દ્વારા ભવિષ્યમાં પણ My Bharat અને NSS ના માધ્યમથી આવી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા NSSના કાર્યકરો, અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online