જનતા કેળવણી મંડળ, જંબુસર સંચાલિત જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર ખાતે આચાર્યશ્રી ડૉ. કિશોર એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત નશામુક્ત કેમ્પસ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો અને નશામુક્ત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ તથા અન્ય નશાકારક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આચાર્યશ્રી ડૉ. કિશોર એમ. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે. યુવાનોએ નશાથી દૂર રહીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. નશામુક્ત સમાજના નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમણે સૌને નશામુક્ત કેમ્પસ બનાવવા માટે સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ નશાકારક પદાર્થોનું સેવન ન કરવા અને અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવાનો સામૂહિક શપથ લીધો હતો. આ સાથે કોલેજના કેમ્પસને નશામુક્ત રાખવા તથા સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા સૌએ સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દ્વારા નશામુક્ત જીવન અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

