ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા-અર્ચના બાદ ચાંદીની પાલખીમાં ભવ્ય જલયાત્રા અને શોભાયાત્રા યોજાઈ
જંબુસર શહેરની શ્રાવકપોળ ખાતે આવેલા જૈન દેરાસરમાં પર્યુષણ પર્વ નિમિત્તે આઠ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની નિયમિત પૂજા-અર્ચના સાથે ઉપવાસ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય સહિતની વિવિધ ધાર્મિક સાધનાઓ કરવામાં આવી હતી.

પર્યુષણ પર્વના પાંચમા દિવસે પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને સુંદર રીતે શણગારવામાં આવી હતી. ચાંદીની પાલખીને પણ વિશેષ શણગાર કરીને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારબાદ જૈન સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને શહેરના મુખ્ય વિસ્તારોમાં ભવ્ય જલયાત્રા તથા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
બેન્ડબાજાની ધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીના જયગોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રા દરમિયાન જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગમાં અન્ય સમાજના લોકોએ પણ જોડાઈને સામાજિક એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો.
પર્યુષણ પર્વના અંતિમ પ્રસંગે જૈન સમાજના લોકોએ એકબીજાને “મિચ્છામિ દુક્કડમ” કહી મન, વચન અને કર્મથી થયેલી ભૂલો બદલ પરસ્પર ક્ષમા યાચી હતી. પર્યુષણ પર્વનો મુખ્ય સંદેશ આત્મશુદ્ધિ, સંયમ, ત્યાગ, અહિંસા અને ક્ષમાનો છે ત્યારે જંબુસર ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી શહેરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ સમગ્ર ધાર્મિક આયોજન દરમિયાન જૈન સમાજના આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓ તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

